કણકોટમાં ખરીદેલી જમીનનો દસ્તાવેજ કરી દેવાને બદલે પોરબંદરના ખેડૂતને મળી ધમકી!
રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ પોરબંદર જિલ્લાના ખેડૂતે કણકોટના બે ભાઈઓ વિરૂધ્ધ લેખિત અરજી આપીઃ તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ
દૂરબીન મીડિયા, રાજકોટ તા.
રાજકોટ તાલુકાના કણકોટ ગામે રૂપિયા ૫૪ લાખ રોકડા ચૂકવી ખેતીની ચાર એકર જમીન ખરીદનાર પોરબંદર જિલ્લાના દેરોદર તાલુકાના ખેડૂતને જમીનના મૂળ માલિક દ્વારા દસ્તાવેજ કરી આપવાને બદલે ટાંટિયા ભાંગી નાખશુ પણ દસ્તાવેજ નહીં કરી આપીએ તેવી ધમકી આપ્યા બાદ આ જમીનની માપણી કરાવવાં જતા બે બાઈકમાં આવેલા અજાણ્યા માણસોએ અમે ભાજપના માણસો છીએ અને અહીં આવશો તો લાશ પણ નહીં મળે તેવી ધમકી આપતા ઘટના અંગે રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ લેખિત અરજી કરી ન્યાય માંગતા ચકચાર જાગી છે.
જાણવા મળતી વિગતો મુજબ પોરબંદર જિલ્લાના દરોદર ગામના રહેવાસી રામભાઈ દેવશીભાઈ ભૂતીયાએ રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું છે કે તેઓએ રાજકોટ તાલુકાના કણકોટ ગામના રેવન્યુ સર્વે નંબર ૧૦રની ખેતીની જમીન એકર ૯માંથી જયંતિભાઈ નારણભાઈ ફતેપરા પાસેથી ૪ એકર જમીન રૂપિયા ૫૪ લાખમાં મેરૂભાઈ પરબતભાઈ આગઠ સાથે ભાગમાં ખરીદ કરી હતી અને રૂપિયા ૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર વેચાણ કરાર અને ચૂકતે અવેજની પહોંચ વેચાણકર્તા જ્યંતિભાઈ નારણભાઇ ફતેપરા, નરશીભાઈ નારણભાઈ ફતેપરા અને ચંદુભાઈ નારણભાઈ ફતેપરા પાસે કરેલ હતી. બાદમાં આ જમીનમાં તેઓના હિસ્સેદાર મેરૂભાઈ પરબતભાઈ આગઠ પોતાનો હક્ક રાખવા માંગતા ન હોય જેથી હક્ક કમીનું લખાણ પણ કરાવી લઈ જમીનનો કબ્જો સંભાળી લીધેલ હતો.
બીજી તરફ ખેતીની જમીનનો કબ્જો સોંપ્યા બાદ પણ આરોપીઓને વારંવાર કહેવા છતાં જમીન તબદીલ કરવા જણાવતા આરોપીઓએ એક્ય બીજા કારણો આપી અંગત બહાના કાઢી જમીન તબદીલ કરતા ન હતા અને જમીન તમારા સિવાય કોઈને વેચાણ નહીં આપીએ તેવો વિશ્વાસ આપતા હતા જેથી ફરિયાદીએ દૈનિકપત્રમાં જાહેરનોટીસ છપાવતા તેના ઉડાઉ વાંધા લેવામાં આવેલ હતા પરંતુ કોઈ આધારપુરાવા રજૂ ન કરતા ફરિયાદી રામભાઈએ જયંતીભાઈ નારણભાઈ ફતેપરા વિરુદ્ધ કરારનું વિશિષ્ટ પાલન કરવા અંગે રાજકોટની કોર્ટમાં દાવો પણ દાખલ કર્યો હતો.
વધુમાં થોડા સમય બાદ આ જમીનની માપણી કરવા જતા આરોપીઓએ ભૂંડાબોલી ગાળો આપી જમીનમાંથી નીકળી જવા કહેલ હતું જેથી કરાર મુજબ તમે આ જમીન વેચી હોય કબ્જો સોંપવા કહેતા થોડા સમયમાં એક બાઈક ઉપર બે શખ્સ આવ્યા હતાં અને હવે પછી અહીં દેખાશો તો લાશ પણ નહીં મળે તેવું કહી ધમકાવી જતા રહ્યા હોવાનું લેખિત ફરિયાદરૂપ અરજીમાં જણાવ્યું હતું. આ અરજી ઉપરથી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.