મહાશિવરાત્રીના મેળામા શ્રદ્ધાળુઓના મેડિકલ કેર માટે આરોગ્યની ટીમ કટિબદ્ધ
ભવનાથ સ્થિત નાકોડા ખાતે ઇન્ટેન્સિવ કેર યુનિટ મહાશિવરાત્રી મેળા માટે અપગ્રેડ કરાયું
કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર વિભાગમાં ડોક્ટર્સની સંખ્યા વધારવામાં આવી
દૂરબીન મીડિયા ટીમ, જૂનાગઢ તા.૨૦/૦૨/૨૦૨૫
ભવનાથ ખાતે દર વર્ષે પરંપરાગત મહાશિવરાત્રી નિમિત્તે યોજાતા મેળામા શ્રદ્ધાળુઓના મેડિકલ કેર માટે જીએમઇઆરએસ સિવિલ હોસ્પિટલની ટીમ કટિબદ્ધ છે. મેળામાં દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય તેઓના આરોગ્યની કાળજી રાખવા રાજ્ય સરકારના માર્ગદર્શનમાં તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં આરોગ્યની ટીમો કાર્યરત છે. ત્યારે સિવિલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા ભવનાથ સ્થિત નાકોડા ખાતે એક ઇન્ટેન્સિવ કેર યુનિટ ઊભું કરાયું છે. જેને મેળા સબબ અપગ્રેડ કરવામાં આવ્યું છે. મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. કૃપાર્થ બ્રહ્મભટ્ટે મેળા સંદર્ભે કરાયેલ કામગીરીની વિગતો આપી જણાવ્યું હતું કે, ભવનાથ ખાતે યોજાતા મહાશિવરાત્રીના પાંચ દિવસીય મેળામાં શ્રદ્ધાળુઓના મેડિકલ કેર બાબતે સિવિલ હોસ્પિટલની ટીમ કટિબધ્ધ છે. ભવનાથ ખાતે આવેલ નાકોડામાં એક ઇન્ટેન્સિવ કેર યુનિટ ઊભુ કરી તેમાં જરૂરી દવાઓ ઉપરાંત ઓક્સિજન સાથે ઇન્ટેન્સિવ કેર પ્રકારની તમામ વ્યવસ્થા અને ૨૪ કલાક એમ્બ્યુલન્સ તથા ફિઝિશિયન, મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, નર્સિંગ સ્ટાફ સહિત આરોગ્ય કર્મચારીઓ શિફ્ટ પ્રમાણે ૨૪ કલાક ફરજ બજાવશે.
આ ઉપરાંત મેળાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ ખાતે તત્કાલીક સારવાર વિભાગમાં ડોક્ટર્સની સંખ્યા શિફ્ટ પ્રમાણે વધારવામાં આવી છે. આકસ્મિક કારણોસર કોઈપણ રીતે જો દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તેને પહોંચી વળવા વધારાના સ્ટેન્ડ બાય ટીમ જેમાં એનેસ્થેટિક ડોક્ટર્સ, ઓર્થોપેડિક સર્જન, જનરલ સર્જન, ફિઝિશિયન અને મેડિકલ ઓફિસર સાથેની ટીમ બનાવવામાં આવી છે. આમ આગામી મેળામાં આવતા શ્રદ્ધાળુઓને મેડિકલ કેર બાબતે કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન સિવિલ હોસ્પિટલ, આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને રાખવામાં આવશે.